feet

યોહાનની સુવાર્તા

એક સાચી વાર્તા



જીવનનો શબ્દ

1સૃષ્ટિના આરંભ પહેલાં શબ્દનું અસ્તિત્વ હતું. તે ઈશ્વરની સાથે હતો, અને જે ઈશ્વર હતા તે જ તે હતો. 2શબ્દ ઈશ્વરની સાથે આરંભથી જ હતો. 3તેના દ્વારા જ ઈશ્વરે બધાંનું સર્જન કર્યું, અને તે સર્જનમાંની કોઈપણ વસ્તુ તેના વિના બનાવવામાં આવી ન હતી. 4શબ્દ જીવનનું ઉદ્ભવસ્થાન હતો અને એ જીવન માનવી પાસે પ્રકાશ લાવ્યું. 5આ પ્રકાશ અંધકારમાં પ્રકાશે છે, અને અંધકાર તેને કદી હોલવી શક્તો નથી. 6ઈશ્વરે પોતાના સંદેશવાહક યોહાનને મોકલ્યો. 7તે લોકોને એ પ્રકાશ વિષે સાક્ષી આપવા આવ્યો; જેથી બધા માણસો એનો સંદેશો સાંભળીને વિશ્વાસ કરે. 8યોહાન પોતે એ પ્રકાશ ન હતો, પરંતુ પ્રકાશ વિષે તે સાક્ષી આપવા આવ્યો હતો. 9ખરો પ્રકાશ તો એ હતો કે જે દુનિયામાં આવે છે અને સઘળા માણસો પર પ્રકાશે છે. 10શબ્દ દુનિયામાં હતો. ઈશ્વરે તેના દ્વારા જ આ દુનિયા બનાવી; પણ દુનિયાએ તેને ઓળખ્યો નહિ. 11તે પોતાના લોકોની પાસે આવ્યો, પરંતુ તેમણે તેનો સ્વીકાર કર્યો નહિ. 12છતાં કેટલાકે તેનો સ્વીકાર કર્યો અને તેના નામ પર વિશ્વાસ મૂક્યો. તેથી તેણે તેમને ઈશ્વરનાં બાળકો થવાનો અધિકાર આપ્યો. 13તેઓ માનવી પિતા દ્વારા શારીરિક જન્મથી નહિ પણ ઈશ્વર દ્વારા જન્મ પામીને ઈશ્વરનાં બાળકો બન્યાં. 14શબ્દ માનવ તરીકે જનમ્યો અને તેણે આપણી વચ્ચે વસવાટ કર્યો. પિતાના એકનાએક પુત્રને છાજે તેવો, કૃપા તથા સત્યતાથી ભરપૂર એવો તેનો મહિમા અમે નિહાળ્યો. 15યોહાને તેના વિષે સાક્ષી આપતાં પોકાર્યું, “જેમના સંબંધી હું કહેતો હતો કે, જે મારા પછીથી આવે છે પણ મારાથી મહાન છે, અને મારા જન્મ અગાઉ હયાત હતા તે જ આ વ્યક્તિ છે.” 16તેમની કૃપાના ભરપૂરીપણામાંથી તેમણે આપણને બધાને આશિષ પર આશિષ આપી છે. 17ઈશ્વરે મોશેની મારફતે નિયમશાસ્ત્ર આપ્યું, પરંતુ કૃપા અને સત્યતા તો ઈસુ ખ્રિસ્તની મારફતે આપવામાં આવ્યાં. 18કોઈએ ઈશ્વરને કદી જોયા નથી. પુત્ર જે ઈશ્વર છે અને જે ઈશ્વરપિતાની અત્યંત નિકટ છે, માત્ર તેમણે જ ઈશ્વરને પ્રગટ કર્યા છે.




મંદિર કે બજાર!

13યહૂદીઓના પાસ્ખા પર્વનો સમય પાસે આવ્યો હતો, તેથી ઈસુ યરુશાલેમ ગયા. 14મંદિરમાં તેમણે પશુઓ, ઘેટાં અને કબૂતર વેચનારાઓને અને શરાફોને પોતાના ગલ્લે બેઠેલા જોયા. 15તેમણે ઝીણી દોરીઓનો ચાબુક બનાવ્યો અને ઘેટાં અને પશુઓ સાથે બધાંને મંદિરમાંથી હાંકી કાઢયા, શરાફોના ગલ્લા ઊથલાવી પાડયા અને તેમના સિક્કા વેરવિખેર કરી નાખ્યા. 16કબૂતર વેચનારાઓને તેમણે આજ્ઞા કરી, “આ બધું અહીંથી બહાર લઈ જાઓ! મારા પિતાના ઘરને તમે બજાર ન બનાવો!” 17તેમના શિષ્યોને ધર્મશાસ્ત્રમાં લખેલું યાદ આવ્યું, “હું તો તમારા ઘર પ્રત્યેના આવેશથી જલી ઊઠયો છું.” 18યહૂદી અધિકારીઓએ તેમની પાસે પાછા આવીને પૂછયું, “આ બધું કરવાનો અધિકાર તમે કયા અદ્‍ભુત કાર્યથી પુરવાર કરી શકો છો?” 19ઈસુએ જવાબ આપ્યો, “આ મંદિરને તોડી પાડો; હું તેને ત્રણ દિવસમાં ફરી ઊભું કરી દઈશ.” 20તેમણે પૂછયું, “શું ત્રણ દિવસમાં તમે તેને ફરી બાંધી દેશો? તેને બાંધતાં તો છેંતાળીસ વર્ષ લાગ્યાં છે!” 21પરંતુ ઈસુ તો પોતાના શરીરરૂપી મંદિર વિષે કહેતા હતા. 22તેથી જ્યારે તેમને મૃત્યુમાંથી સજીવન કરવામાં આવ્યા, ત્યારે તેમના શિષ્યોને આ વાત યાદ આવી. અને તેમણે ધર્મશાસ્ત્ર પર અને ઈસુએ જે કહ્યું હતું તે પર વિશ્વાસ કર્યો. 23હવે પાસ્ખાપર્વ દરમિયાન ઈસુ યરુશાલેમમાં હતા ત્યારે જે અદ્‍ભુત કાર્યો તેમણે કર્યાં હતાં તે જોઈને ઘણાંએ તેમના પર વિશ્વાસ કર્યો. 24પરંતુ ઈસુએ તેમના પર વિશ્વાસ કર્યો નહિ, 25કારણ, તે બધા માણસોને સારી રીતે જાણતા હતા. માણસો વિષે કોઈ તેમને કંઈ કહે એવી જરૂર નહોતી, કારણ, માણસના હૃદયમાં શું છે તે તે જાણતા હતા.



ઈસુ અને નિકોદેમસ

1નિકોદેમસ નામે યહૂદીઓનો એક અધિકારી હતો. તે ફરોશીઓના પંથનો હતો. 2એક રાત્રે તે ઈસુની પાસે આવ્યો અને તેમને કહ્યું, “ગુરુજી, અમે જાણીએ છીએ કે તમે તો ઈશ્વરે મોકલેલા શિક્ષક છો. તમે જે અદ્‍ભુત કાર્યો કરો છો, તે કાર્યો કોઈ માણસ ઈશ્વર તેની સાથે ન હોય તો કરી શકે જ નહિ.” 3ઈસુએ જવાબ આપ્યો, “હું તમને સાચે જ કહું છું: નવેસરથી જન્મ પામ્યા વગર કોઈ માણસ ઈશ્વરનું રાજ જોઈ શક્તો નથી.” 4નિકોદેમસે પૂછયું, “માણસ વયોવૃદ્ધ થયા પછી કેવી રીતે ફરીથી જન્મ પામી શકે? તે પોતાની માના ગર્ભમાં પ્રવેશીને ફરીવાર તો જન્મ પામી શકે જ નહિ.” 5ઈસુએ જવાબ આપ્યો, “હું તમને સાચે જ કહું છું: પાણીથી તથા આત્માથી જન્મ પામ્યા વગર કોઈ માણસ ઈશ્વરના રાજમાં પ્રવેશી શક્તો નથી. 6શારીરિક માબાપ દ્વારા શારીરિક જન્મ થાય છે, પરંતુ આત્મિક જન્મ પવિત્ર આત્મા દ્વારા થાય છે. 7તમારે બધાએ ઉપરથી જન્મ પામવો જોઈએ એમ હું કહું છું તેથી આશ્ર્વર્ય પામશો નહિ. 8પવન જ્યાં ચાહે છે ત્યાં વાય છે. તમે તેનો અવાજ સાંભળો છો, પરંતુ તે ક્યાંથી આવે છે અને ક્યાં જાય છે તેની તમને ખબર પડતી નથી. આત્માથી જન્મેલી પ્રત્યેક વ્યક્તિના સંબંધમાં પણ એવું જ છે.” 9નિકોદેમસે પૂછયું, “પણ એ કેવી રીતે બને?” 10ઈસુએ જવાબ આપ્યો, “તમે તો ઇઝરાયલના શિક્ષક છો અને છતાં તમને સમજ પડતી નથી? 11હું તમને સાચે જ કહું છું: અમે જે જાણીએ છીએ તે વિષે બોલીએ છીએ, અને જે નજરે જોયું છે તે વિષે સાક્ષી પૂરીએ છીએ. છતાં તમારામાંનો કોઈ અમારી સાક્ષી સ્વીકારવા તૈયાર નથી. 12આ પૃથ્વી પરની વાતો હું તમને કહું છું તોપણ તમે મારું માનતા નથી, તો જો હું સ્વર્ગની વાતો કહું તો તમે કેવી રીતે માનશો? 13સ્વર્ગમાં જ જેનો વાસ છે અને જે સ્વર્ગમાંથી ઊતરી આવેલ છે તે માનવપુત્ર સિવાય સ્વર્ગમાં કોઈ ચઢયું નથી.” 14જેમ મોશેએ વેરાન પ્રદેશમાં થાંભલા પર તાંબાના સાપને ઊંચો કર્યો હતો, તેમ માનવપુત્ર ઊંચો કરાય તે જરૂરી છે. 15જેથી જે કોઈ તેમના પર વિશ્વાસ મૂકે તેને તેમના દ્વારા સાર્વકાલિક જીવન પ્રાપ્ત થાય. 16ઈશ્વરે દુનિયા પર એટલો પ્રેમ કર્યો કે તેમણે પોતાનો એકનોએક પુત્ર આપી દીધો; જેથી જે કોઈ તેમના પર વિશ્વાસ મૂકે તે સાર્વકાલિક મરણ ન પામે, પરંતુ સાર્વકાલિક જીવન પ્રાપ્ત કરે. 17કારણ, દુનિયાનો ન્યાયાધીશ બનવા માટે નહિ, પરંતુ ઉદ્ધારક બનવા માટે ઈશ્વરે પોતાના પુત્રને દુનિયામાં મોકલ્યો છે. 18પુત્ર ઉપર જે કોઈ વિશ્વાસ મૂકે છે તે સજાપાત્ર ઠરતો નથી, પરંતુ જે કોઈ વિશ્વાસ મૂક્તો નથી તે સજાપાત્ર ઠરી ચૂક્યો છે, કારણ, તેણે ઈશ્વરના એકનાએક પુત્ર પર વિશ્વાસ મૂક્યો નથી. 19ન્યાયચુકાદાનો આધાર આવો છે: પ્રકાશ દુનિયામાં આવ્યો છે, પરંતુ લોકોને પ્રકાશ કરતાં અંધકાર વધારે ગમે છે; કારણ, તેમનાં કાર્યો ભૂંડાં છે. 20જે કોઈ ભૂંડાં કાર્યો કરે છે તે પ્રકાશને ધિક્કારે છે, અને પ્રકાશ પાસે આવવા માગતો નથી, કારણ, તે પોતાનાં કાર્યો ખુલ્લાં પડી જાય તેવું ઇચ્છતો નથી. 21પરંતુ જે સત્ય પ્રમાણે આચરણ કરે છે તે પ્રકાશની નજીક આવે છે; જેથી તેનાં જે કાર્યો ઈશ્વરને આધીન રહીને કરાયાં છે તે પ્રકાશ દ્વારા જાહેર થાય.”



ઈસુ અને સમરૂની સ્ત્રી

1ફરોશીઓએ સાંભળ્યું કે ઈસુ યોહાનના કરતાં વધારે શિષ્યો બનાવે છે અને તેમને બાપ્તિસ્મા આપે છે. 2હકીક્તમાં ઈસુ જાતે નહિ, પણ તેમના શિષ્યો બાપ્તિસ્મા આપતા હતા. 3ઈસુ એ સાંભળીને યહૂદિયા મૂકીને પાછા ગાલીલમાં ચાલ્યા ગયા. 4તેમને સમરૂનના પ્રદેશમાં થઈને પસાર થવું પડયું. 5તે સમરૂનના સૂખાર નગરમાં આવ્યા. યાકોબે પોતાના પુત્ર યોસેફને જે ખેતર આપ્યું હતું ત્યાંથી તે નગર નજીક હતું. 6ત્યાં યાકોબનો કૂવો હતો અને મુસાફરીથી થાકેલા ઈસુ ત્યાં જ બેસી ગયા. ત્યારે બપોરનો સમય હતો. 7એક સમરૂની સ્ત્રી પાણી ભરવા આવી. ઈસુએ તેને કહ્યું, “મને પાણી આપીશ?” 8તેમના શિષ્યો ખોરાક ખરીદવા નગરમાં ગયા હતા. 9તે સ્ત્રીએ જવાબ આપ્યો, “તમે યહૂદી છો અને હું સમરૂની છું, તો તમે મારી પાસે પાણી કેમ માગો છો?” કારણ, યહૂદીઓ સમરૂનીઓ સાથે કંઈ વ્યવહાર રાખતા નથી. 10ઈસુએ જવાબ આપ્યો, “ઈશ્વર કેવું દાન આપી શકે છે અને તારી પાસે પાણી માગનાર વ્યક્તિ કોણ છે તેની તને ખબર હોત તો તેં તેની પાસે માગણી કરી હોત અને તેણે તને જીવનનું પાણી આપ્યું હોત.” 11તે સ્ત્રીએ કહ્યું, “સાહેબ, તમારી પાસે પાણી કાઢવા માટે તો કશું નથી અને કૂવો તો ઊંડો છે. તમે જીવનનું પાણી કેવી રીતે કાઢી શકો? 12અમારા પૂર્વજ યાકોબે આ કૂવો અમને આપ્યો. તેણે, તેના પુત્રોએ અને તેનાં ઢોરઢાંકે તેમાંથી જ પાણી પીધું હતું. તમે તેના કરતાં પણ શું મહાન છો?” 13ઈસુએ કહ્યું, “જે કોઈ આ પાણી પીએ તેને ફરીથી તરસ લાગવાની, પરંતુ જે કોઈ મેં આપેલું પાણી પીએ, તેને કદી તરસ લાગશે નહિ. 14જે પાણી હું આપીશ તે તેના અંતરમાં ફૂટી નીકળતું ઝરણું બની રહેશે અને તેને સાર્વકાલિક જીવન આપશે.” 15સ્ત્રીએ કહ્યું, “સાહેબ, એ જ પાણી મને આપો, જેથી મને ફરી તરસ લાગે નહિ, અને અહીં આવીને મારે પાણી ખેંચવું પડે નહિ.” 16ઈસુએ કહ્યું, “જા, તારા પતિને બોલાવી લાવ.” 17સ્ત્રીએ કહ્યું, “મારે પતિ નથી.” 18ઈસુએ કહ્યું, “વાત તારી સાચી; તારે પતિ નથી. તું પાંચ પુરુષો સાથે રહી છે અને અત્યારે જેની સાથે રહે છે તે તારો પતિ નથી. તારું કહેવું તદ્ન ખરું છે.” 19તે સ્ત્રીએ કહ્યું, “સાહેબ, તમે તો ઈશ્વરના સંદેશવાહક લાગો છો. 20અમારા પૂર્વજો આ પર્વત પર ઈશ્વરનું ભજન કરતા, પરંતુ તમે યહૂદીઓ કહો છો કે ઈશ્વરનું ભજન માત્ર યરુશાલેમમાં જ કરવું જોઈએ.” 21ઈસુએ તેને કહ્યું, “બહેન, મારી વાત માન, એવો સમય આવી રહ્યો છે, જ્યારે માણસો ઈશ્વરપિતાનું ભજન આ પર્વત પર કે યરુશાલેમમાં કરશે નહિ. 22તમે સમરૂનીઓ કોનું ભજન કરો છો તે તમે જાણતા નથી, પણ અમે યહૂદીઓ કોનું ભજન કરીએ છીએ તે અમે જાણીએ છીએ; કારણ, ઉદ્ધાર યહૂદીઓમાંથી આવવાનો છે. 23પરંતુ એવો સમય આવી રહ્યો છે, અરે, હાલ આવી ચૂક્યો છે, કે જ્યારે સાચા ભજનિકો પવિત્ર આત્માથી પ્રેરાઈને ઈશ્વરપિતાની સચ્ચાઈપૂર્વક ભક્તિ કરશે. ઈશ્વરપિતા એવા જ ભાવિકોની ઝંખના રાખે છે. 24ઈશ્વર આત્માસ્વરૂપ છે અને તેમના ભજનિકોએ આત્માથી પ્રેરાઈને સચ્ચાઈપૂર્વક ભક્તિ કરવી જોઈએ.” 25તે સ્ત્રીએ કહ્યું, “હું જાણું છું કે મસીહ (જે ખ્રિસ્ત કહેવાય છે) આવશે; અને જ્યારે તે આવશે ત્યારે અમને બધું જ કહી બતાવશે.” 26ઈસુએ જવાબ આપ્યો, “તારી સાથે વાત કરનાર હું તે જ છું.” 27તે જ વખતે ઈસુના શિષ્યો પાછા આવ્યા. ઈસુને સ્ત્રી સાથે વાત કરતા જોઈને તેમને ખૂબ નવાઈ લાગી, પણ “તમારે શું જોઈએ છે?” અને “તમે તેની સાથે શા માટે વાત કરો છો?” એવું તેમને કોઈએ પૂછયું નહિ. 28પછી તે સ્ત્રી પોતાની ગાગર ત્યાં જ મૂકીને નગરમાં પાછી ગઈ અને તેણે લોકોને કહ્યું, 29“આવો, અને અત્યાર સુધી મેં જે જે કર્યું તે બધું જ જેણે કહી દેખાડયું તે માણસને જુઓ. શું તે મસીહ હોઈ શકે?” 30તેથી તેઓ નગર બહાર ઈસુની પાસે ગયા. 31તે દરમિયાન શિષ્યોએ ઈસુને વિનંતી કરી, “ગુરુજી, થોડું જમી લો!” 32પરંતુ તેમણે જવાબ આપ્યો, “મારી પાસે જે ખોરાક છે તેની તમને જરા પણ ખબર નથી.” 33તેથી શિષ્યો અંદરોઅંદર પૂછવા લાગ્યા, “શું કોઈ તેમને માટે ખોરાક લાવ્યું હશે?” 34ઈસુએ કહ્યું, “જેમણે મને મોકલ્યો છે તેની ઇચ્છા પૂરી કરવી અને જે ક્મ તેમણે મને સોંપ્યું છે તે પૂરું કરવું એ જ મારો ખોરાક છે. 35શું તમે નથી કહેતા કે, ‘ચાર મહિના પછી કાપણીની મોસમ આવશે?’ હું તમને કહું છું: ખેતરો તરફ તમારી દૃષ્ટિ ફેરવો, તેઓ કાપણીને માટે પાકી ચૂક્યાં છે. 36જે માણસ ફસલ કાપે છે તેને બદલો મળે છે અને સાર્વકાલિક જીવન માટે તે સંગ્રહ કરે છે. તેથી જે માણસ વાવે છે અને જે માણસ કાપે છે તેઓ બંને સાથે આનંદ પામશે. 37“‘વાવે કોઈ અને લણે કોઈ’ એ કહેવત સાચી પડે છે. 38જે ખેતરમાં તમે મહેનત કરી નથી, ત્યાં કાપણી કરવા મેં તમને મોકલ્યા છે. બીજાઓએ ત્યાં મહેનત કરી છે અને તમે તેનો લાભ ઉઠાવો છો.” 39“જે કંઈ મેં કર્યું તે બધું જ તેમણે કહી દેખાડયું,” એવી સ્ત્રીની સાક્ષીને લીધે તે નગરના ઘણા સમરૂનીઓએ ઈસુ પર વિશ્વાસ કર્યો. 40તેથી જ્યારે સમરૂનીઓ તેમની પાસે આવ્યા, ત્યારે તેમણે તેમને પોતાની સાથે રહેવા વિનંતી કરી. તેથી ઈસુ ત્યાં બે દિવસ રહ્યા. 41બીજા ઘણાએ તેમની વાણી સાંભળીને વિશ્વાસ કર્યો. 42અને તેમણે તે સ્ત્રીને કહ્યું, “અમે માત્ર તારા કહેવાથી વિશ્વાસ કરતા નથી, પરંતુ હવે અમે પોતે તેમને સાંભળ્યા છે અને અમને ખાતરી થઈ છે કે તે જ દુનિયાના ઉદ્ધારક છે.”



પુત્રનો અધિકાર

19તેથી ઈસુએ તેમને કહ્યું, “હું તમને સાચે જ કહું છું: પુત્ર પિતાને જે કરતા જુએ છે તે સિવાય પુત્ર પોતે કશું જ કરી શક્તો નથી. જે પિતા કરે છે, તે પુત્ર પણ કરે છે. 20કારણ, પિતા પુત્રને ચાહે છે અને પોતે જે કંઈ કરે છે તે બધું તે તેને બતાવે છે. તે તેને એના કરતાં પણ મોટાં કાર્યો બતાવશે, તેથી તમે બધા અચંબામાં પડશો. 21પિતા જેમ મૃત્યુ પામેલાંને ઉઠાડે છે અને જીવન આપે છે, તે જ પ્રમાણે પુત્ર પણ પોતાની મરજી પ્રમાણે તેમને જીવન બક્ષે છે. 22વળી, પિતા પોતે કોઈનો ન્યાય કરતા નથી. તેમણે ન્યાય કરવાનો સર્વ અધિકાર પોતાના પુત્રને સોંપ્યો છે; 23જેથી જેમ પિતાનું તેમ પુત્રનું પણ બધા સન્માન કરે. જે કોઈ પુત્રનું સન્માન કરતો નથી તે તેને મોકલનાર પિતાનું પણ સન્માન કરતો નથી. 24“હું તમને સાચે જ કહું છું: જે કોઈ મારો સંદેશ સાંભળે છે અને મને મોકલનાર પર વિશ્વાસ મૂકે છે તેને સાર્વકાલિક જીવન છે. તેનો ન્યાય તોળાશે નહિ, પરંતુ તે મરણમાંથી નીકળીને જીવનમાં પ્રવેશી ચૂક્યો છે. 25હું સાચે જ કહું છું: એવો સમય આવશે, અરે, હવે આવી લાગ્યો છે કે, જ્યારે મૃત્યુ પામેલાં પુત્રનો અવાજ સાંભળશે અને જેઓ સાંભળશે તેઓ જીવન પામશે. 26કારણ, જેમ પિતા પોતે જીવનનું ઉદ્ભવસ્થાન છે, તે જ રીતે તેમણે પુત્રને જીવનનું ઉદ્ભવસ્થાન બનાવ્યો છે. 27“વળી, તે માનવપુત્ર હોવાથી તેમણે તેને ન્યાય કરવાનો અધિકાર આપ્યો છે. 28તેથી આશ્ર્વર્ય ન પામશો, એવો સમય આવી રહ્યો છે કે જ્યારે કબરમાંનાં બધાં મૃત્યુ પામેલાં તેનો અવાજ સાંભળશે. 29અને તેઓ કબરની બહાર નીકળી આવશે. જેમણે સારાં કાર્યો કર્યાં હશે તેમને સાર્વકાલિક જીવન માટે ઉઠાડવામાં આવશે, અને જેમણે ભૂંડાં કાર્યો કર્યા હશે તેમને સજા માટે ઉઠાડવામાં આવશે. પ્રભુ ઈસુના સાક્ષીઓ 30“હું મારી જાતે કશું જ કરી શક્તો નથી. પિતા મને કહે તે પ્રમાણે જ હું ન્યાય કરું છું, અને તેથી મારો ચુક્દો અદલ હોય છે. કારણ, મને જે ગમે તે કરવા હું પ્રયત્ન કરતો નથી, પરંતુ મને મોકલનારને જે ગમે તે જ હું કરું છું.



જીવનની રોટલી ઈસુ

25જ્યારે તેમણે ઈસુને સામે કિનારે જોયા ત્યારે તેમણે પૂછયું, “પ્રભુ, તમે અહીં ક્યારે આવ્યા?” 26ઈસુએ જવાબ આપ્યો, “હું તમને સાચે જ કહું છું: તમે મારાં અદ્‍ભુત કાર્યો જોઈને નહિ, પણ તમે રોટલી ખાઈને ધરાયા તેથી મને શોધો છો. 27નાશવંત નહિ, પણ શાશ્વત ખોરાક મેળવવા માટે મહેનત કરો. એ ખોરાક તમને માનવપુત્ર આપશે, કારણ, ઈશ્વરપિતાએ તેના પર પોતાની મહોર મારી છે.” 28તેથી તેમણે પૂછયું, “ઈશ્વરનાં કાર્ય કરવા અમારે શું કરવું?” 29ઈસુએ જવાબ આપ્યો, “ઈશ્વર તો તમારી પાસે આટલું જ માગે છે: જેને તેમણે મોકલ્યો છે તેના પર વિશ્વાસ કરો.” 30તેમણે જવાબ આપ્યો, “તમારા પર અમે વિશ્વાસ મૂકીએ એ માટે નિશાની તરીકે તમે કયું અદ્‍ભુત કાર્ય કરી બતાવશો? 31અમારા પૂર્વજોએ વેરાનપ્રદેશમાં માન્‍ના ખાધું. શાસ્ત્રમાં લખેલું છે તેમ, ‘તેમણે તેમને ખાવાને માટે આકાશમાંથી રોટલી આપી.” 32ઈસુએ કહ્યું, “હું તમને સાચે જ કહું છું: મોશેએ તમને આકાશમાંથી રોટલી આપી નથી, પરંતુ મારા પિતા તમને આકાશમાંથી ખરેખરી રોટલી આપે છે. 33ઈશ્વર જે રોટલી આપે છે તે તો આકાશમાંથી ઊતરી આવે છે અને દુનિયાને જીવન બક્ષે છે.” 34તેમણે માગણી કરી, “પ્રભુ, અમને હવે એ જ રોટલી સદા આપતા રહો.” 35ઈસુએ તેમને કહ્યું, “જીવનની રોટલી હું છું, જે મારી પાસે આવશે તે કદી ભૂખ્યો નહિ થાય; જે મારામાં વિશ્વાસ મૂકશે તે કદી તરસ્યો નહિ થાય. 36પણ મેં કહ્યું તેમ, તમે મને જોયો છે, અને છતાં તમે વિશ્વાસ કરતા નથી. 37મારા પિતાએ મને જેટલાં સોંપ્યાં છે તે બધાં મારી પાસે આવશે. જે કોઈ મારી પાસે આવે છે, તેને હું કદી પણ પાછો કાઢી મૂકીશ નહિ. 38કારણ, મારી ઇચ્છા પ્રમાણે કરવાને નહિ, પરંતુ મને મોકલનારની ઇચ્છા પૂરી કરવાને હું આકાશમાંથી ઊતર્યો છું. 39મને મોકલનાર મારી પાસે એવી અપેક્ષા રાખે છે કે, તેમણે મને જેટલાં સોંપ્યાં છે તેમાંથી હું એકપણ ન ગુમાવું, પરંતુ હું તેમને છેલ્લે દિવસે સજીવન કરું. 40જે કોઈ પુત્રને જોઈને તેમના પર વિશ્વાસ મૂકે તે સાર્વકાલિક જીવન પામે, અને હું તેમને અંતિમ દિવસે સજીવન કરું એ જ પિતા ઇચ્છે છે.” 41“આકાશમાંથી ઊતરી આવેલી રોટલી હું છું,” એમ ઈસુએ કહ્યું એટલે યહૂદીઓએ તેમની વિરુદ્ધ કચકચ કરી. 42અને તેમણે કહ્યું, “અરે, આ યોસેફનો દીકરો ઈસુ નથી? એના બાપને અને એની માને અમે ઓળખીએ છીએ. તો પછી એ કેવી રીતે કહે છે કે, ‘હું આકાશમાંથી ઊતરી આવ્યો છું?” 43ઈસુએ તેમને જવાબ આપ્યો, “અંદરોઅંદર કચકચ ન કરો. 44મને મોકલનાર પિતા કોઈને મારી તરફ ખેંચે નહિ ત્યાં સુધી કોઈ મારી પાસે આવી શકતું નથી; અને હું તેને છેલ્લે દિવસે સજીવન કરીશ. 45સંદેશવાહકોના પુસ્તકોમાં લખેલું છે, ‘તેઓ બધા ઈશ્વર તરફથી શિક્ષણ મેળવશે.’ જે કોઈ પિતાનું સાંભળે છે અને તેમની પાસેથી શીખે છે તે મારી પાસે આવે છે. 46આનો અર્થ એ નથી કે કોઈએ ઈશ્વરને જોયા છે; જે ઈશ્વર પાસેથી આવ્યો છે ફક્ત તેણે જ ઈશ્વરને જોયા છે. 47હું તમને સાચે જ કહું છું કે જે વિશ્વાસ રાખે છે તેને સાર્વકાલિક જીવન છે. 48જીવનની રોટલી હું છું. 49તમારા પૂર્વજોએ વેરાન પ્રદેશમાં માન્‍ના ખાધું છતાં તેઓ મરી ગયા. 50પરંતુ આકાશમાંથી ઊતરી આવેલી રોટલી એવી છે કે જે કોઈ તે ખાય તે મરણ પામે નહિ. 51આકાશમાંથી આવેલી જીવનની રોટલી હું છું. જે કોઈ આ રોટલી ખાય છે તે સદા જીવશે. જે રોટલી હું આપું છું તે તો મારું માંસ છે, જે હું દુનિયાના જીવનને માટે આપું છું.” 52આ સાંભળીને યહૂદીઓમાં અંદરોઅંદર વિવાદ જાગ્યો કે, “આ માણસ પોતાનું માંસ આપણને ખાવા માટે કેવી રીતે આપી શકે?” 53ઈસુએ તેમને કહ્યું, “હું તમને સાચે જ કહું છું: જો તમે માનવપુત્રનું માંસ ન ખાઓ, અને તેનું લોહી ન પીઓ, તો તમારામાં જીવન હોઈ શકે જ નહિ. 54જે કોઈ મારું માંસ ખાય છે અને મારું લોહી પીએ છે તેને સાર્વકાલિક જીવન છે, અને તેને હું છેલ્લે દિવસે સજીવન કરીશ. 55કારણ, મારું માંસ એ જ સાચો ખોરાક છે અને મારું લોહી એ જ સાચું પીણું છે. 56જે કોઈ મારું માંસ ખાય છે અને મારું લોહી પીએ છે તે મારામાં જીવે છે અને હું તેનામાં જીવું છું. 57જીવતા પિતાએ મને મોકલ્યો છે અને તેમને લીધે જ હું જીવું છું. તે જ પ્રમાણે જે મને ખાશે તે મારે લીધે જીવશે. 58આકાશમાંથી ઊતરેલી રોટલી, તમારા પૂર્વજો ખાઈને મરી ગયા તેવા માન્‍ના જેવી નથી. જે કોઈ આ રોટલી ખાશે તે સદાકાળ જીવશે.” 59કાપરનાહૂમના ભજનસ્થાનમાં શીખવતાં ઈસુએ આ શબ્દો કહ્યા હતા.



જગપ્રકાશ ઈસુ

12ઈસુએ ફરીથી તેમને કહ્યું, “હું દુનિયાનો પ્રકાશ છું. જે કોઈ મને અનુસરે છે તેની પાસે જીવનનો પ્રકાશ રહેશે અને તે કદી અંધકારમાં ચાલશે નહિ.” 13ફરોશીઓએ તેમને કહ્યું, “તમે પોતે જ પોતાને માટે સાક્ષી આપો છો. તમારી સાક્ષી વજૂદ વગરની છે.” 14ઈસુએ તેમને જવાબ આપતાં કહ્યું, “હું મારા પોતા વિશે સાક્ષી આપું છતાં પણ મારી સાક્ષી સાચી છે; કારણ, હું જાણું છું કે હું ક્યાંથી આવ્યો છું અને ક્યાં જવાનો છું. 15તમે માનવી ધોરણે જ તુલના કરો છો; જ્યારે હું કોઈનો ન્યાય કરતો નથી. 16પરંતુ જો હું ન્યાય કરું તો તે સાચો હશે; કારણ, ન્યાય કરનાર હું એકલો નથી, પણ મને મોકલનાર ઈશ્વરપિતા મારી સાથે છે. 17તમારા નિયમશાસ્ત્રમાં લખેલું છે કે બે વ્યક્તિની એક્સરખી સાક્ષી વજૂદવાળી ગણાય. 18હું મારા પોતા વિષે સાક્ષી આપું છું, અને મને મોકલનાર પિતા પણ મારે વિષે સાક્ષી આપે છે.” 19તેમણે પૂછયું, “તારો પિતા ક્યાં છે?” ઈસુએ જવાબ આપ્યો, “તમે મને કે મારા પિતાને ઓળખતા નથી. જો તમે મને ઓળખતા હોત તો મારા પિતાને પણ ઓળખત.” 20મંદિરમાં જયાં દાન-પેટીઓ હોય છે ત્યાં શિક્ષણ આપતાં ઈસુએ આ બધું કહ્યું. પરંતુ કોઈએ તેમને પકડયા નહિ, કારણ, તેમનો સમય આવ્યો ન હતો.



જન્મથી આંધળો દેખતો થયો

1રસ્તે જતાં ઈસુએ જન્મથી આંધળા એક માણસને જોયો. 2તેમના શિષ્યોએ પૂછયું, “ગુરુજી, કોના પાપે એ આંધળો જનમ્યો? પોતાનાં કે તેનાં માતાપિતાનાં?” 3ઈસુએ જવાબ આપ્યો, “એના અંધાપાને એનાં કે એનાં માતાપિતાનાં પાપ સાથે કંઈ સંબંધ નથી; પણ તેનામાં ઈશ્વરની કાર્યશક્તિ પ્રગટ થાય તે માટે તે આંધળો જનમ્યો છે. 4જ્યાં સુધી દિવસ છે ત્યાં સુધી મને મોકલનારનાં કાર્યો આપણે ચાલુ રાખવાં જ જોઈએ. રાત આવે છે, જ્યારે કોઈથી ક્મ કરી શક્તું નથી. 5હું દુનિયામાં છું ત્યાં સુધી હું દુનિયાનો પ્રકાશ છું.” 6એમ કહ્યા પછી ઈસુ જમીન પર થૂંક્યા અને થૂંકથી માટી પલાળીને તે માણસની આંખ પર ચોપડી, 7અને તેને કહ્યું, “જા, શિલોઆમ (અર્થાત્ મોકલાયેલો)ના કુંડમાં જઈને તારું મોં ધોઈ આવ.” તેથી તે ગયો, મોં ધોયું અને દેખતો થઈને પાછો આવ્યો. 8પછી તેના પડોશીઓ અને આ પહેલાં જેમણે તેને ભીખ માગતાં જોયો હતો તેમણે પૂછપરછ કરી, “પેલો બેઠો બેઠો ભીખ માંગતો હતો એ જ આ માણસ નથી?” 9કેટલાએકે કહ્યું, “હા, એજ છે;” બીજાઓએ કહ્યું, “ના રે ના, એ તો એના જેવો લાગે છે.” એટલે તેણે પોતે જ કહ્યું, “હું તે જ છું.” 10તેથી તેમણે તેને પૂછયું, “તારી આંખો કેવી રીતે ઊઘડી ગઈ?” 11તેણે જવાબ આપ્યો, “ઈસુ નામના માણસે થોડી માટી પલાળીને મારી આંખ પર લગાવીને મને કહ્યું, ‘શિલોઆમના કુંડમાં જઈને તારું મોં ધોઈ આવ.’ એટલે હું ગયો અને જેવું મેં મોં ધોયું કે હું દેખતો થયો.” 12તેમણે પૂછયું, “તે ક્યાં છે?” તેણે જવાબ આપ્યો, “મને ખબર નથી.”



ઉત્તમ ઘેટાંપાલક

7તેથી ઈસુએ ફરી કહ્યું, “હું તમને સાચે જ કહું છું: ઘેટાંના વાડાનો દરવાજો હું છું. 8મારી પહેલાં જેઓ આવ્યા, તેઓ બધા ચોર અને લૂંટારા હતા. પરંતુ ઘેટાંએ તેમનું સાંભળ્યું નહિ. 9દરવાજો હું છું; જો કોઈ મારા દ્વારા પ્રવેશ કરે છે, તો તે ઉદ્ધાર પામશે. તે અંદર આવી શકશે અને બહાર લઈ જવાશે અને તેને ચારો મળશે. 10ચોર તો ફક્ત ચોરી કરવા, હત્યા અને નાશ કરવા આવે છે; પણ હું એટલા માટે આવ્યો છું કે તેમને જીવન, હા, ભરપૂર જીવન મળે. 11“હું ઉત્તમ ધેટાંપાલક છું; ઉત્તમ ઘેટાંપાલક પોતાનાં ઘેટાંને માટે પોતાનો જીવ આપી દેવા તૈયાર હોય છે. 12ભાડૂતી માણસ, જે ઘેટાંપાલક કે ઘેટાંનો માલિક નથી તે વરુને આવતું જોઈને તેમને મૂકીને નાસી જાય છે, અને વરુ તેમના પર હુમલો કરે છે અને તેમને વેરવિખેર કરી નાખે છે. 13ભાડૂતી માણસ નાસી જાય છે, કારણ, તે ભાડૂતી છે, અને તેને ઘેટાંની દરકાર નથી. 14હું ઉત્તમ ઘેટાંપાલક છું. 15જેમ પિતા મને ઓળખે અને હું પિતાને ઓળખું છું તેમ હું મારાં ઘેટાંને ઓળખું છું અને તેઓ મને ઓળખે છે અને હું તેમને માટે મારો જીવ આપું છું. 16વળી, મારાં બીજાં ઘેટાં પણ છે, જે અત્યારે આ વાડામાં નથી. તેમને પણ મારે વાડામાં લાવવાં જોઈએ. તેઓ પણ મારો સાદ સાંભળશે અને આખરે એક ટોળું અને એક ઘેટાંપાલક બનશે. 17“પિતા મને ચાહે છે, કારણ, હું મારો જીવ આપું છું; એ માટે કે હું તે પાછો લઉં. 18કોઈ મારું જીવન મારી પાસેથી લઈ શકતું નથી. હું મારી સ્વેચ્છાએ તે અર્પી દઉં છું. તે આપવાનો અને પાછું લેવાનો મને અધિકાર છે. મારા પિતાએ મને એમ કરવાનો અધિકાર આપ્યો છે.” 19ફરીથી તેમના આ શબ્દોને કારણે યહૂદીઓમાં ભાગલા પડયા. 20તેમનામાંના ઘણા કહેવા લાગ્યા, “તેને ભૂત વળગ્યું છે! તે પાગલ થઈ ગયો છે! તમે તેનું કેમ સાંભળો છો?” 21પરંતુ બીજાઓએ કહ્યું, “ભૂત વળગેલો માણસ આવા શબ્દો બોલી શકે? ભૂત આંધળાની આંખો કેવી રીતે ઉઘાડી શકે?”



ગ્રીકોને ઈસુનાં દર્શન

20પર્વ સમયે યરુશાલેમમાં ભજન કરવા આવેલા લોકોમાં કેટલાક ગ્રીકો પણ હતા. 21તેમણે ગાલીલના બેથસાઈદા ગામના ફિલિપની પાસે આવીને કહ્યું, “સાહેબ, અમે ઈસુનાં દર્શન કરવા માગીએ છીએ.” 22ફિલિપે જઈને આંદ્રિયાને કહ્યું અને તે બન્‍નેએ સાથે મળીને તે ઈસુને કહ્યું, 23ઈસુએ જવાબ આપ્યો, “માનવપુત્રનો મહિમાવંત થવાનો સમય આવી લાગ્યો છે. 24હું તમને સાચે જ કહું છું: ઘઉંનો દાણો જમીનમાં વવાઈને મરી ન જાય, તો તે એક જ દાણો રહે છે. જો તે મરી જાય તો તે ઘણા દાણા ઉપજાવે છે. 25જે કોઈ પોતાના જીવનને વહાલું ગણે છે, તે તેને ગુમાવે છે. અને જે કોઈ આ દુનિયામાં પોતાના જીવનનો દ્વેષ કરે છે તે સાર્વકાલિક જીવનને માટે તેને સંભાળી રાખશે. 26જોે કોઈ મારી સેવા કરવા માગતો હોય તો તેણે મને અનુસરવું જ રહ્યું; જેથી જ્યાં હું છું ત્યાં મારો સેવક પણ હશે. જે મારી સેવા કરે છે, તેનું મારા પિતા સન્માન કરશે.”



નવીન આજ્ઞા

31યહૂદાના બહાર ગયા પછી, ઈસુએ કહ્યું, “હવે માનવપુત્રનો મહિમા પ્રગટ થાય છે અને તેના દ્વારા ઈશ્વરનો મહિમા પ્રગટ થાય છે. 32જો તેના દ્વારા ઈશ્વરનો મહિમા પ્રગટ થાય છે તો પછી ઈશ્વર પોતાનામાં માનવપુત્રનો મહિમા પ્રગટ કરશે, અને તે ટૂંક સમયમાં જ કરશે. 33મારાં બાળકો, હવે હું તમારી સાથે લાંબો સમય રહેવાનો નથી. તમે મને શોધશો; પરંતુ યહૂદી લોકોને મેં જે કહ્યું હતું તે તમને પણ કહું છું: જ્યાં હું જાઉં છું ત્યાં તમે આવી શક્તા નથી. 34હવે એક નવીન આજ્ઞા હું તમને આપું છું: એકબીજા પર પ્રેમ રાખો. જેમ મેં તમારા પર પ્રેમ રાખ્યો છે, તેમ તમે એકબીજા પર પ્રેમ રાખો. 35જો તમે એકબીજા પર પ્રેમ રાખશો તો સૌ જાણશે કે તમે મારા શિષ્યો છો.”



પિતા તરફ લઈ જતો માર્ગ

1ઈસુએ તેમને કહ્યું, “તમારાં હૃદયોને શોક્તુર થવા ન દો. ઈશ્વર પર વિશ્વાસ રાખો અને મારા ઉપર પણ વિશ્વાસ રાખો. 2મારા પિતાના ઘરમાં ઘણા ઓરડા છે, જો એમ ન હોત, તો મેં તમને તે પણ જણાવ્યું હોત. હું તમારે માટે જગ્યા તૈયાર કરવા જઉં છું. 3હું જઈશ અને જગ્યા તૈયાર કરીને પાછો આવીશ અને તમને મારી સાથે લઈ જઈશ; જેથી જ્યાં હું છું, ત્યાં તમે પણ રહો. 4હું જ્યાં જઉં છું તે સ્થળે જવાનો માર્ગ તમે જાણો છો.” 5થોમાએ કહ્યું, “પ્રભુ, તમે ક્યાં જઈ રહ્યા છો તે અમે જાણતા નથી. તો પછી ત્યાં પહોંચવાના માર્ગ વિષે અમને કેવી રીતે ખબર હોય?” 6ઈસુએ તેને જવાબ આપ્યો, “માર્ગ, સત્ય અને જીવન હું છું. મારા સિવાય પિતા પાસે જવાનો બીજો કોઈ માર્ગ નથી.” 7વળી તેમણે કહ્યું, “જો તમે મને ઓળખો, તો તમે મારા પિતાને પણ ઓળખશો, અને હવેથી તમે તેમને ઓળખો છો અને તમે તેમને જોયા છે.” 8ફિલિપે તેમને કહ્યું, “પ્રભુ, ત્યારે હવે અમને પિતાનાં દર્શન કરાવો, એટલે બસ!” 9ઈસુએ જવાબ આપ્યો, “ફિલિપ, ઘણા સમયથી હું તમારી સાથે છું, છતાં તું મને ઓળખતો નથી? જેણે મને જોયો છે, તેણે પિતાને જોયા છે, તો પછી તું શા માટે કહે છે કે, ‘અમને પિતાનાં દર્શન કરાવો?’ 10હું પિતામાં છું અને પિતા મારામાં છે એવું તું માનતો નથી?” ઈસુએ શિષ્યોને કહ્યું, “મેં જે સંદેશ તમને આપ્યો છે તે મારા પોતાના તરફથી નથી; મારામાં વાસ કરનાર પિતા પોતાનાં કાર્યો કર્યે જાય છે. 11મારું માનો, હું પિતામાં વસું છું અને પિતા મારામાં વસે છે. કંઈ નહિ તો મારાં કાર્યોને લીધે તો માનો! 12હું તમને સાચે જ કહું છું: જે કોઈ મારા પર વિશ્વાસ મૂકે છે તે હું કરું છું તેવાં કાર્ય કરશે. 13તમે મારે નામે જે કંઈ માગશો તે હું કરીશ; જેથી પિતાનો મહિમા પુત્ર દ્વારા પ્રગટ થાય. 14મારે નામે તમે જે કંઈ માગશો, તે હું કરીશ.”

પવિત્ર આત્માનું વરદાન

15“જો તમે મારા પર પ્રેમ કરતા હો, તો તમે મારી આજ્ઞાઓ પાળશો. 16હું પિતાને વિનંતી કરીશ; અને તે તમારી સાથે સદા વસવાને બીજો સહાયક, એટલે સત્યનો આત્મા મોકલી આપશે. 17દુનિયા તેને સ્વીકારી શક્તી નથી; કારણ, તે તેને જોઈ શક્તી નથી અને ઓળખતી નથી. પરંતુ તમે તેને ઓળખો છો, કારણ, તે તમારી સાથે રહે છે; અને તમારા અંતરમાં વસે છે. 18“હું તમને અનાથ મૂકી દઈશ નહિ. હું તમારી પાસે પાછો આવીશ. 19થોડી વાર પછી દુનિયા મને જોશે નહિ, પરંતુ તમે મને જોશો, અને હું જીવંત છું માટે તમે પણ જીવશો. 20તે દિવસે તમને ખાતરી થશે કે હું મારા પિતામાં વસું છું અને હું તમારામાં વસું છું અને તમે મારામાં વસો છો. 21“જે કોઈ મારી આજ્ઞાઓ સ્વીકારીને તેમનું પાલન કરે છે, તે જ મારા પર પ્રેમ કરે છે. જે કોઈ મારા પર પ્રેમ રાખે છે તેના પર મારા પિતા પણ પ્રેમ કરે છે; હું પણ તેના પર પ્રેમ કરીશ અને તેની આગળ પોતાને પ્રગટ કરીશ.” 22યહૂદા, જે ઈશ્કારિયોત ન હતો તેણે કહ્યું, “પ્રભુ, તમે પોતાને દુનિયા આગળ નહિ, પણ અમારી આગળ પ્રગટ કરશો, તેનું કારણ શું?” 23ઈસુએ તેને જવાબ આપ્યો, “જે કોઈ મારા પર પ્રેમ કરે છે તે મારા કહ્યા પ્રમાણે ચાલશે, તેના પર મારા પિતા પ્રેમ કરશે, અને હું તથા પિતા તેની પાસે આવીશું અને તેનામાં વાસ કરીશું. 24જે મારા પર પ્રેમ કરતો નથી, તે મારા કહ્યા પ્રમાણે કરતો નથી. જે વચન તમે સાંભળ્યાં છે, તે મારાં નથી, પરંતુ મને મોકલનાર પિતાનાં છે. 25“હજી તો હું તમારી સાથે છું, ત્યારે જ આ બધું મેં તમને કહ્યું છે. 26સહાયક, એટલે કે પવિત્ર આત્મા જેને પિતા મારે નામે મોકલશે, તે તમને બધું સમજાવશે, અને મેં તમને જે જે કહ્યું તેની તમને યાદ દેવડાવશે. 27“હું તમને શાંતિ આપીને જઉં છું; મારી પોતાની શાંતિ હું તમને આપું છું. જેમ દુનિયા તમને શાંતિ આપે છે તેમ હું તમને આપતો નથી. ચિંતા કરશો નહિ, તેમ જ હિંમત પણ હારશો નહિ. 28હું જઉં છું પરંતુ હું તમારી પાસે પાછો આવીશ એવું જે મેં તમને કહ્યું છે તે તમે સાંભળ્યું છે. જો તમને મારા પર પ્રેમ હોય, તો હું પિતા પાસે જઉં છું તેથી તમને આનંદ થવો જોઈએ. કારણ, પિતા મારા કરતાં મોટા છે. 29એ બધું થાય તે પહેલાં મેં તમને કહી દીધું છે; જેથી તે બને ત્યારે તમે તે માની શકો. 30હું તમારી સાથે વધુ વાત કરીશ નહિ, કારણ, આ દુનિયાનો શાસક આવી રહ્યો છે; એને મારા પર કશી સત્તા નથી. 31પણ હું પિતા પર પ્રેમ કરું છું, અને તેમની આજ્ઞા પ્રમાણે હું ચાલું છું એની દુનિયાને ખબર પડવી જોઈએ. ચાલો, આપણે અહીંથી જઈએ.”



સાચો દ્રાક્ષવેલો

1“હું સાચો દ્રાક્ષવેલો છું, અને મારા પિતા માળી છે. 2મારામાંની પ્રત્યેક ડાળી જે ફળ આપતી નથી તેને તે કાપી નાખે છે, અને પ્રત્યેક ડાળી જે ફળ આપે છે તેને વધારે ફળ આવે માટે તેની કાપકૂપ કરે છે. 3જે સંદેશ મેં તમને આપ્યો છે, તેના દ્વારા તમે હવે શુદ્ધ થઈ ચૂક્યા છો. 4તમે મારામાં વસો અને હું તમારામાં વસીશ. વેલામાં રહ્યા વગર ડાળી ફળ આપી શક્તી નથી. તે જ પ્રમાણે તમે મારામાં ન વસો તો ફળ આપી શક્તા નથી. 5“હું દ્રાક્ષવેલો છું, અને તમે ડાળીઓ છો. જે મારામાં વસે છે અને જેનામાં હું વસું છું, તે જ પુષ્કળ ફળ આપી શકે છે; કારણ, મારાથી અલગ રહીને તમે કશું જ કરી શક્તા નથી. 6જે મારામાં વસતો નથી તેને ડાળીની જેમ ફેંકી દેવામાં આવે છે, અને તે સુકાઈ જાય છે, લોકો એવી ડાળીઓ એકઠી કરીને અગ્નિમાં નાખે છે જ્યાં તે બળી જાય છે. 7જો તમે મારામાં વસો અને મારો સંદેશ તમારામાં વસે તો તમે ચાહો તે માગો, અને તે તમને મળશે. 8તમે પુષ્કળ ફળ આપો, તેમાં મારા પિતાનો મહિમા પ્રગટ થાય છે, અને એ પરથી પુરવાર થાય છે કે તમે મારા શિષ્ય છો. 9જેમ પિતા મારા પર પ્રેમ કરે છે તે જ પ્રમાણે હું પણ તમારા પર પ્રેમ કરું છું. તમે મારા પ્રેમમાં રહો. 10જેમ હું મારા પિતાની આજ્ઞાઓ પાળીને તેમના પ્રેમમાં રહું છું, તેમ જો તમે મારી આજ્ઞાઓ પાળશો, તો તમે મારા પ્રેમમાં રહેશો. 11“મારો આનંદ તમારામાં રહે અને તમારો આનંદ પરિપૂર્ણ થાય માટે આ વાતો મેં તમને કહી છે. 12મારી આજ્ઞા તો આ છે: જેમ મેં તમારા પર પ્રેમ કર્યો, તેમ તમે એકબીજા પર પ્રેમ કરો. 13માણસ પોતાના મિત્રને માટે પોતાનું જીવન આપી દે તે કરતાં મોટો પ્રેમ બીજો કોઈ નથી 14મારી આજ્ઞા પ્રમાણે વર્તો, તો જ તમે મારા મિત્રો છો. 15હવેથી હું તમને નોકર ગણતો નથી; કારણ, પોતાનો શેઠ શું કરે છે, તેની નોકરને ખબર હોતી નથી. એથી ઊલટું, હું તો તમને મિત્રો કહું છું; કારણ, જે કંઈ પિતા પાસેથી મેં સાંભળ્યું, તે બધું જ મેં તમને જણાવી દીધું છે. 16તમે મને પસંદ કર્યો નથી, પણ મેં તમને પસંદ કર્યા છે અને તમારી નિમણૂક કરી છે. તેથી તમે જાઓ, અને જઈને સદા ટકે તેવાં ફળ આપો. એથી તમે પિતા પાસે મારે નામે જે કંઈ માગશો તે તમને મળશે. 17હું તમને આ આજ્ઞા આપું છું: એકબીજા પર પ્રેમ રાખો.



ઈસુની છેલ્લી પ્રાર્થના

1એ વાતો કહી રહ્યા પછી ઈસુ આકાશ તરફ દૃષ્ટિ ઉઠાવીને બોલ્યા, “હે પિતા, સમય આવી ચૂક્યો છે. તમારા પુત્રને મહિમાવંત કરો કે જેથી પુત્ર તમને મહિમાવંત કરે. 2તમે તેને માનવજાત પર અધિકાર આપ્યો છે, કે જેથી તમે તેને જે સોંપ્યાં છે તેમને તે સાર્વકાલિક જીવન આપે. 3માણસો તમને, એકલા સાચા ઈશ્વરને અને ઈસુ ખ્રિસ્ત, જેમને તમે મોકલ્યા છે તેમને ઓળખે એ જ સાર્વકાલિક જીવન છે. 4જે કાર્ય તમે મને સોંપ્યું હતું, તે પૂરું કરીને મેં પૃથ્વી પર તમારો મહિમા પ્રગટ કર્યો છે. 5હે પિતા, સૃષ્ટિના સર્જન પહેલાં તમારી સાથે જે મહિમા મારી પાસે હતો, તે મહિમાથી મને મહિમાવંત કરો. 6“આ દુનિયામાંથી તમે મને જે માણસો સોંપ્યા હતા, તેમની સમક્ષ મેં તમને પ્રગટ કર્યા છે. તેઓ તમારા જ હતા અને તમે તેમની સોંપણી મને કરી હતી. તેમણે તમારા સંદેશનું પાલન કર્યું છે. 7હવે તેમને ખાતરી થઈ છે કે તમે મને જે કંઈ આપ્યું છે, તે તમારા તરફથી જ મળેલું છે. 8કારણ, જે સંદેશ તમે મને આપ્યો હતો તે મેં તેમને પહોંચાડયો છે. તેમણે તેનો સ્વીકાર કર્યો છે, અને તેમને ખાતરી થઈ છે કે હું તમારી પાસેથી આવ્યો છું, અને તેઓ માને છે કે તમે જ મને મોકલ્યો છે. 9“હું તેમને માટે પ્રાર્થના કરું છું. દુનિયા માટે નહિ, પરંતુ જેઓને તમે મને સોંપ્યા તેમને માટે પ્રાર્થના કરું છું; કારણ, તેઓ તમારા છે. 10જે કંઈ મારી પાસે છે તે તમારું છે અને જે તમારી પાસે છે તે મારું છે; અને તેમના દ્વારા મારો મહિમા પ્રગટ થાય છે. 11અને હવે હું તમારી પાસે આવું છું. હું દુનિયામાં રહેવાનો નથી, પરંતુ તેઓ દુનિયામાં છે; હે પવિત્ર પિતા, જે નામ તમે મને આપ્યું છે તે નામના સામર્થ્યથી તમે તેમનું રક્ષણ કરો; જેથી જેમ તમે અને હું એક છીએ, તેમ તેઓ પણ એક થાય. 12હું તેમની સાથે હતો ત્યાં સુધી તો જે નામ તમે મને આપ્યું છે તેના સામર્થ્યથી મેં તેમનું રક્ષણ કર્યું. શાસ્ત્ર સાચું પડે તેથી વિનાશને માટે નિયત થઈ ચૂકેલી વ્યક્તિ સિવાય બીજા કોઈનો નાશ થયો નથી. 13હવે હું તમારી પાસે આવું છું અને મારો આનંદ તેમના હૃદયમાં પૂર્ણપણે રહે તે માટે આ દુનિયા છોડતાં પહેલાં હું આ બધું કહું છું. 14મેં તેમને તમારો સંદેશ પહોંચાડયો છે અને દુનિયા તેમનો તિરસ્કાર કરે છે; કારણ, જેમ હું દુનિયાનો નથી તેમ તેઓ પણ આ દુનિયાના નથી. 15તમે તેમને દુનિયામાંથી લઈ લો એવી વિનંતી હું કરતો નથી, પરંતુ તમે દુષ્ટથી તેમનું રક્ષણ કરો તેવી વિનંતી કરું છું. જેમ હું આ દુનિયાનો નથી, તેમ તેઓ પણ આ દુનિયાના નથી. 16સત્ય દ્વારા તમે પોતાને માટે તેમને અલગ કરો; તમારો સંદેશ સત્ય છે. 17જેમ તમે મને દુનિયામાં મોકલ્યો હતો, 18તેમ હું તેમને દુનિયામાં મોકલું છું. 19અને તેમની ખાતર હું તમને મારું અર્પણ કરું છું; જેથી તેઓ પણ તમને ખરેખરી રીતે સમર્પિત થઈ જાય. 20“હું ફક્ત તેમને માટે જ પ્રાર્થના કરું છું એવું નથી, પરંતુ જેઓ તેમનો સંદેશ સાંભળીને મારામાં વિશ્વાસ મૂકશે, તેમને માટે પણ હું પ્રાર્થના કરું છું, કે 21તેઓ બધા એક થાય. હે પિતા, જેમ તમે મારામાં વસો છો અને હું તમારામાં, તેમ તેઓ આપણામાં વસે; જેથી દુનિયા માને કે તમે મને મોકલ્યો છે. 22જે મહિમા તમે મને આપ્યો તે જ મેં તેમને આપ્યો છે; જેથી તેઓ એક થાય. 23જેમ તમે મારામાં વસો છો, તેમ હું તેઓમાં વસું; જેથી તેઓ સંપૂર્ણ રીતે એક બને; અને એમ દુનિયા માને કે તમે મને મોકલ્યો છે, અને જેમ તમે મારા પર પ્રેમ રાખો છો તેમ તેઓ પર પણ પ્રેમ રાખો છો. 24“હે પિતા! તમે મને આ લોકો આપ્યા છે. મારી ઇચ્છા છે કે હું જ્યાં છું ત્યાં તેઓ મારી સાથે રહે; એ માટે કે તેઓ મારો મહિમા જુએ; એ મહિમા તમે મને આપ્યો છે, કારણ, સૃષ્ટિના સર્જન પહેલાં તમે મારા પર પ્રેમ રાખતા હતા. 25હે ન્યાયી પિતા, દુનિયા તમને ઓળખતી નથી, પરંતુ હું તમને ઓળખું છું અને આ લોકો જાણે છે કે તમે મને મોકલ્યો છે. 26મેં તમને તેમની સમક્ષ પ્રગટ કર્યા છે અને હજી કરતો રહીશ. જેથી મારા પરના તમારા પ્રેમમાં તેઓ ભાગીદાર બને, અને હું પણ એમનામાં વસું.”



ઈસુનું અવસાન

28ઈસુએ જોયું કે હવે બધી બાબતો પૂર્ણ થઈ છે અને તેથી શાસ્ત્રવચન સાચું ઠરે એ માટે તે બોલ્યા, “મને તરસ લાગી છે.” 29ત્યાં સરકાથી ભરેલું એક વાસણ હતું; તેમણે સરક્માં વાદળી બોળીને તેને ઝૂફાની લાકડી પર મૂકીને તેમના હોઠ સુધી તે ઊંચી કરી. 30ઈસુએ સરકો ચાખ્યો અને કહ્યું, “સંપૂર્ણ થયું!” પછી માથું નમાવીને તેમણે પ્રાણ છોડયો. 31વિશ્રામવારની પહેલાંનો એ દિવસ હતો. તેથી જેમને ક્રૂસે જડવામાં આવ્યા હતા, એ માણસોના પગ ભાંગી નાખી તેમને ક્રૂસ ઉપરથી ઉતારી લેવા યહૂદીઓએ પિલાતને વિનંતી કરી. વિશ્રામવારે તેઓ ક્રૂસ પર શબ રહેવા દેવા માગતા ન હતા; કારણ, પછીનો વિશ્રામવાર ખાસ પવિત્ર દિવસ હતો. 32તેથી સૈનિકોએ જઈને ઈસુની સાથે ક્રૂસે જડવામાં આવેલા બન્‍ને માણસોના પગ ભાંગી નાખ્યા. 33પણ જ્યારે તેઓ ઈસુ પાસે આવ્યા ત્યારે તેમણે જોયું કે તે તો મરી ગયા છે; તેથી તેમણે તેમના પગ ભાંગ્યા નહિ. 34પણ એક સૈનિકે ઈસુની છાતીની બાજુમાં ભાલો માર્યો, અને તરત જ લોહી તથા પાણી વહ્યાં. 35જેણે આ જોયું છે તે જ આ પુરાવો આપે છે, જેથી તમે વિશ્વાસ કરો. તેણે જે પુરાવો આપ્યો છે તે ખરો છે, અને પોતે સત્ય બોલે છે તે તે જાણે છે. 36શાસ્ત્રવચન પૂરું થાય માટે એમ બન્યું: “તેનું એકપણ હાડકું ભાંગવામાં આવશે નહિ.” 37અને બીજું પણ એક શાસ્ત્રવચન છે: “જેને તેમણે વીંયો તેને તેઓ જોશે.”



શિષ્યોને દર્શન

19સપ્તાહના એ પ્રથમ દિવસની સાંજે, યહૂદી અધિકારીઓના ભયથી શિષ્યો બંધબારણે મળ્યા હતા. તેવામાં ઈસુ આવ્યા અને તેમની વચમાં ઊભા રહ્યા. તેમણે કહ્યું, “તમને શાંતિ થાઓ.” એમ કહીને તેમણે પોતાના હાથ અને પડખું બતાવ્યાં. 20શિષ્યો પ્રભુને જોઈને હર્ષ પામ્યા. 21ઈસુએ ફરીથી કહ્યું, “તમને શાંતિ થાઓ. જેમ પિતાએ મને મોકલ્યો છે, તે જ પ્રમાણે હું તમને મોકલું છું.” 22એમ કહીને તેમણે શિષ્યો પર શ્વાસ ફૂંક્યો અને કહ્યું, “તમને પવિત્ર આત્મા પ્રાપ્ત થાઓ. 23જો તમે માણસોનાં પાપની ક્ષમા આપશો તો તે માફ કરવામાં આવશે, જો તમે ક્ષમા નહિ આપો તો તે કાયમ રહેશે.”